શનિવાર, 15 ડિસેમ્બર, 2012

જીવન મૂલ્યો


સફળતા અને નિષ્ફળતામાં સ્થિતપ્રજ્ઞતા  

           સફળતા અને નિષ્ફળતા ! આપણી બુધ્ધિને વિચલિત કરે એવાં આ બે પરિબળો છે. આપણું ગમતું થાય તે આપણી સફળતા અને ગમતુ ન થાય કે અણગમતુ થાય તે નિષ્ફળતા એમ સામાન્યપણે કહી શકાય.
            જીવનમાં આધ્યાત્મિક વિકાસનું મૂલ્ય આત્મસાત ન કરનાર મનુષ્ય માટે સફળતા દારુંના નશા જેવું કામ કરે છે. સફળતા મળતાં જ તેનો અહંકાર જાણે કે સાતમા આશમાને ચઢી જાય છે. પોતાનું ગમતુ થયું તેનો આનંદ તેની બુધ્ધિને છકાવી દે છે. ત્યારે તે વિવેક ભાન ભૂલી જાય છે, અને સફળતાનો યશ પોતે જ લઈ લે. આનંદ સમાય નહિ. હર્ષોલ્લાસના અતિરેકમાં બેબાકળો બની જાય. લોકોને ભેગા કરી જાતે જ પોતાની જાહેરાત કરવા નિકળી પડે જમણવાર કરે. નાચવા- કૂદવા લાગે.  વગેરે ઘણું ઘણું કરવા લાગે.  આમ સફળતાના પ્રસંગોમાં માનવીની પ્રજ્ઞાને હરખ ભરખી જાય છે. જેથી સફળતા પચાવવી અઘરી પડે છે. 
         નિષ્ફળતાનુ પણ એવું જ છે, નિષ્ફળતા મળતાં જ સામાન્ય માનવીની પ્રજ્ઞા અસ્થિરતાનો શિકાર બની જતી હોય છે. આવી પરિસ્થિતિમાં તે વ્યક્તિના વલણમાં નકારાત્મક ભાવો નજરે પડે છે. એ સમયે ન કરવા જેવા વિકૃત વિચારોનો ધોધ તેને અંદરથી હચમચાવી મૂકે છે.  તે ઉતાવળો બની જાય. તેની બુધ્ધિ કોઈપણ ભોગે સફળતા મેળવવા ઈર્ષ્યા, કપટ,  કે દ્વેશ ભર્યા આયોજનોની દિશામાં વાળી જાય. અને જો આ વિકૃતિભર્યો વૈચારિક પ્રવાહ લાંબો સમય સુધી ચાલ્યા કરે   તો, શક્ય છે કે એના ભારેખમ પ્રવાહોથી તેની મતિ મારી જાય અને આવું થતાં તે હિંસક પણ બની જાય કે પછી આત્મહત્યા જેવા ક્રૂર નિર્ણયો લઈ બેસે. વગેરે....... વગેરે......  આ રીતે  નિષ્ફળતા પણ મનુષ્યની બુધ્ધિને પ્રભાવિત કરે છે, જેથી નિષ્ફળતા પચાવવી અઘરી પડે છે. 
          મતલબ કે સફળતા હોય કે નિષ્ફળતા, બંને બુધ્ધિમાં વિકૃતિનું કંપન જન્માવી શકે છે. કેવળ બાહ્ય પ્રકાર જુદા છે. સફળતામાં હર્ષોલ્લાસ બુધ્ધિને વિકૃત બનાવે છે, જ્યારે નિષ્ફળતામાં દુ:ખ, આક્રોશ, ક્રોધ કે દ્વેશ જેવા ભાવોની અભિવ્યક્તિથી બુધ્ધિની વિકૃતતા બહાર આવે છે. બંને પરિસ્થિતિઓમાં જીવનનો પરમ આનંદ તો અનુભવાતો જ નથી. શાશ્વત શાંતિનો અહેસાસ તો થતો જ નથી? પરંતું સતત અપૂર્ણપણું  ખાલિપો કે એકલવાયાપણું  અનુભવાય. સૂનુંસૂનું લાગ્યા કરે, નિરાશા અને અશાંતિ કોરી ખાય. 
        આવા સંજોગોમાં ભગવદગીતાની સ્થિતપ્રજ્ઞતા આપણને સહાયરૂપ બનીને સાચવી લે છે.   સ્થિતપ્રજ્ઞતા આપણને  સફળતા પચાવતાં શીખવે છે.  અને નિષ્ફળતા સહન કરવાનો કિમીયો બતાવે છે. 
   तत तत शुभाशुभं प्राप्य नाभिनन्दति  न  द्वेष्टि तस्य प्रजा प्रतिष्ठिता  એમ કહીને  ગીતાએ આપણી બુધ્ધિને દુન્યવી કોઈ પણ પરિસ્થિતિના પ્રભાવથી વિકૃત થતી બચાવવાની કરમત બતાવી છે.   સ્થિતપ્રજ્ઞતા એવી કરમતથી ભરપૂર છે. 
            શુભ કે અશુભ, સારું કે નરસું, સફળતા કે નિષ્ફળતા, બધુ એકમાત્ર પરમત્માની ઈચ્છાથી થાય છે. પરમાત્મા શક્તિ આપે ત્યારે હું કંઈક કર્મ કરી શકવાની ઈચ્છા કરી શકું છું. તેઓ શક્તિ આપે ત્યારે જ હું કંઈક કર્મ કરી શકું છું. અને ત્યાર પછી મને જે ફળ મળે છે, કે જેને હું મારી  સફળતા કે નિષ્ફળતાકહું છું તે પણ તેમની ઈચ્છાથી જ તો મળ્યું છે. -- આ રીતે પરમાત્મસ્વરૂપનો નિશ્વય જેની બુધ્ધિમાં અચળપણે દૃઢ થયો  હોય તેને અહીં " સ્થિતપ્રજ્ઞ" કહ્યો છે. આવા મનુષ્યોની પ્રજ્ઞા વાયુરહિત સ્થળમાં રહેલ દીવાની જ્યોતની જેમ પરમાત્મસ્વરૂપમાં એકધારી જોડાયેલી રહે છે.  પરિણામે તેઓ પરમ આનંદની અખંડિત અનુભૂતિમાં ડૂબ્યા રહે છે. સંસારની કોઈપણ ઘટનાઓ તેમને વિચલિત  કરી શકતી નથી. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો